કર્ણાટકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

કર્ણાટક ચૂંટણી:- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનો “આતંકવાદ અને આતંકવાદીઓને ખુશ કરવાનો” ઇતિહાસ છે. કોંગ્રેસ અને JD(S) પર “આતંકવાદને પ્રોત્સાહન” આપવાનો પણ આરોપ લગાવ્યો.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો જોરશોરથી પ્રચાક કરવા લાગ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મોરચો સંભાળ્યો છે. ત્યારે આજે કર્ણાટકમાં પીએમ મોદી વિપક્ષ પર વરસી પડ્યા હતા. મંગળવારે કર્ણાટકમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામ સાથે પણ સમસ્યા હતી અને હવે તે જય બજરંગબલીનો નારા લગાવનારાઓથી પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે, જેને લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું- આજે હનુમાનજીની આ પવિત્ર ભૂમિ પર પ્રણામ કરવા આવ્યો તે મારૂં સૌભાગ્ય છે પરંતુ સાથે દુર્ભાગ્ય એ છે કે આજે જ્યારે હું અહીં હનુમાનજીને નમન કરવા આવ્યો છું, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના ઢંઢેરામાં બજરંગબલીને તાળામાં બંધ  કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા શ્રી રામને તાળા મારવામાં આવ્યા હતા અને હવે જય બજરંગબલી કહેનારાઓને તાળાબંધી કરવાનો નિર્ણય લેવાયો છે. દેશની કમનસીબી છે કે કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામ સાથે પણ તકલીફ પડતી હતી અને હવે બજરંગબલીની જય બોલનારાઓથી પણ પેટમાં દુઃખે છે. પીએમ મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્ર પર વધુ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે તેની વોરંટી ગુમાવી દીધી છે, કોંગ્રેસની વોરંટી સમાપ્ત થઈ ગઈ છે, કોંગ્રેસે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની વોરંટી વગરની ગેરંટી પણ એટલી જ ખોટી છે અને કોંગ્રેસનો ખોટો ગેરંટીનો ટ્રેક રેકોર્ડ ઘણો જૂનો છે.

ભાજપને વોટ કરવાની અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપે કર્ણાટક માટે યોજનાઓનો સુરક્ષા ઘેરો તૈયાર કર્યો છે. જેમાં સામાજિક સુરક્ષાથી લઈને મહિલા સશક્તિકરણનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ કહ્યું- ભારતીય જનતા પાર્ટી કર્ણાટકની ગરિમા અને સંસ્કૃતિને કોઈ નુકસાન થવા દેશે નહીં. ભાજપ કર્ણાટકના વિકાસ માટે અહીંના લોકોને આધુનિક સુવિધાઓ આપવા. નવી તકો આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના દાયકાઓના શાસનમાં શહેરો અને ગામડાઓ વચ્ચેની ખાઈ ઘણી વધી ગઈ છે, ભાજપ સરકાર ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર ઘટાડવામાં સતત વ્યસ્ત છે. આજે શહેરો જેવી સુવિધાઓ આપણા ગામડાઓમાં પહોંચી રહી છે. ભાજપ સરકાર ગામને લગતા અન્ય પડકારોને પણ હલ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *