બ્રિટનમાં ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. ચાર્લ્સ ત્રીજાનો ૬ મેના રોજ લંડનમાં રાજ્યાભિષેક થશે. ચાર્લ્સના રાજ્યાભિષેકની તૈયારીઓ રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદથી ચાલી રહી છે. આ ભવ્ય સમારોહમાં ૧૦૨૧ કરોડનો ખર્ચ થશે. શાહી પરંપરા છેલ્લે ૧૯૫૩ માં જોવા મળી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ બ્રિટિશ સિંહાસન પર બેઠેલા ચાર્લ્સ અને તેમની પત્ની રાણી કેમિલાનો શનિવારે વેસ્ટમિંસ્ટર એબી ખાતે ધાર્મિક સમારોહમાં ઔપચારિક રીતે તાજ પહેરાવવામાં આવશે. ૭૦ વર્ષના ગાળા બાદ આવી ઘટના બનવા જઈ રહી છે. આ પહેલા આવી શાહી પરંપરા છેલ્લે ૧૯૫૩ માં સ્વર્ગસ્થ રાણી માટે જોવા મળી હતી.
બ્રિટનમાં રાજ્યાભિષેક શું છે?
રાજ્યાભિષેક એ સમારોહ છે જેમાં રાજાને ઔપચારિક રીતે તાજ પહેરાવવામાં આવે છે. આ વિધિ પ્રથમ રાજા અથવા રાણીના મૃત્યુ માટેના શોકનો સમયગાળો પૂરો થયા પછી થાય છે. પરંપરાગત રીતે રાજ્યાભિષેકએ એક સંપૂર્ણ ધાર્મિક પ્રસંગ છે જેને ઉજવણી તરીકે યોજવામાં આવે છે. આ સમારોહનું સંચાલન કેન્ટરબરીના આર્કબિશપ દ્વારા કરવામાં આવશે જે એંગ્લિકન કોમ્યુનિયનના આધ્યાત્મિક વડા છે. છેલ્લા ૯૦૦ વર્ષથી વેસ્ટમિન્સ્ટર એબીમાં રાજ્યાભિષેક સમારોહ યોજાય છે.