અમિત શાહ આજે કર્ણાટકના રાયચુરમાં બે જનસભા કરશે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં ગતિ આવી રહી છે. પ્રધાનમંત્રીની એક પછી એક રેલી અને રોડ-શોથી કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી આજે બેલ્લારીમાં જનસભાને સંબોધિત કરશે. સાંજે પ્રધાનમંત્રી તુમકુરુમાં એક જનસભાને સંબોધિત કરશે. જ્યારે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે કર્ણાટકમાં બે રેલી અને એક રોડ શો કરશે.
જે. પી. નડ્ડા રાયચૂરમાં રોડ શો કરશે. જ્યારે કોપલ્લા અને કલબુર્ગીમાં જનસભાને સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે કર્ણાટકના રાયચુરમાં બે જનસભા કરશે. જ્યારે સાંજે કોપલ્લામાં એક રેલીને સંબોધન કરશે. જ્યારે બીજી તરફ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને જનતાદળ સેક્યુલરના વરિષ્ઠ નેતાઓ પણ પોતાના ઉમેદવારોના પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી પણ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટક અધ્યક્ષ ડી. કે. શિવકુમાર પણ પક્ષના ઉમેદવારો માટે જનસભાઓ સંબોધી રહ્યા છે. જ્યારે જનતાદળ સેક્યુલર માટે તેમના વરિષ્ઠ નેતા દેવેગૌડા પણ પ્રચારમાં લાગ્યા છે.