અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ મામલે AMCના અધિકારી મનોજ સોલંકીની બેદરકારી સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજિલન્સ દ્વારા કરવામાં આવેલી ચાર્જશીટમાં આ ખુલાસો થયો છે.
અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વિવાદ મામલે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી અને બ્રિજ પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ઈજનેર મનોજ સોલંકીને સસ્પેન્ડ કરાયા છે. AMCના વિજિલન્સ વિભાગે મનોજ સોલંકી સામે યોગ્ય દેખરેખ નહીં રાખવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત બરાબર દેખરેખ નહીં રાખવાને કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ પણ વિજિલન્સ વિભાગે મૂક્યો છે. મનોજ સોલંકીને સસ્પેન્ડ કરાયાનો ચાર્જશીટમાં ખુલાસો થયો છે.
હાટકેશ્વર બ્રિજ મામલે ચાર્જશીટમાં અનેક ખુલાસાઓ થયા છે. જેમ કે બ્રિજના નિર્માણ માટે સિમેન્ટની આવક તો નોંધાઈ હતી, પરંતુ તેના ઓરિજનલ કે ફોટો કોપી બિલો રજૂ કરવામાં આવ્યા નહોતા. બ્રિજના ટેસ્ટિંગમાં એવું પણ સામે આવ્યું છે કે હાટકેશ્વર બ્રિજ બનાવવા માટે જેટલા જથ્થા સિમેન્ટનો ઉપયોગ દર્શાવાયો છે. એટલી સિમેન્ટ બ્રિજના સેમ્પલમાં મળી આવી નથી. આ ઉપરાંત ૨૦૧૭ માં માસિક પ્રોગ્રેસ રિપોર્ટમાં ૫૫ વખત સિમેન્ટના ટેસ્ટિંગ કરાયાનો ઉલ્લેખ કરાયો છે. વિજિલન્સ સમક્ષ માત્ર 32 ટેસ્ટ રિપોર્ટ રજૂ કરાયા છે.
પૂર્વ સિટી ઈજનેર હિતેષ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી હતી. હિતેષ કોન્ટ્રાક્ટરે હાટકેશ્વર બ્રિજનો લોડ ટેસ્ટ ન કર્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ટેન્ડરમાં લોડ ટેસ્ટ ફરજિયાત હોવા છતાં આ બેદરકારી દાખવવામાં આવી હતી. પૂર્વ સિટી ઈજનેર હિતેષે બ્રિજના કોન્ટ્રાક્ટર અને PMC કન્સલટન્સીને બચાવવા માટે લોડ ટેસ્ટ ન કર્યો હોવાનો ફણ ખુલાસો થયો છે. બ્રિજમાં અનેકવાર ગાબડા પડ્યા બાદ પણ આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી.
હાટકેશ્વ બ્રિજ મામલે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સન્સલ્ટન્સી એસજીએસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ બંને કંપનીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.