જમ્મુ કાશ્મીર સમાચાર:- મધરાત્રે આતંકવાદીઓ દેખાયા અને શરૂ થયો બંને તરફથી ગોળીબાર, બારામુલા અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, શનિવારે બારામુલા અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, આ અથડામણ બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં શરૂ થઈ હતી. આ દરમિયાન રાજૌરીના કાંડી જંગલમાં હાલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને વિસ્તારોમાં ઓછામાં ઓછા ૮ થી ૯ આતંકીઓ ઘેરાયેલા છે. નોંધનીય છે કે, ગઈકાલે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં પાંચ જવાન શહીદ થયા હતા.
એક ખાનગી મીડિયા અનુસાર સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૦૧:૧૫ વાગ્યે આતંકવાદીઓનો સંપર્ક થયો હતો અને બંને તરફથી ગોળીબાર થયો હતો. શુક્રવારે સવારે કાંડીના જંગલ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ ભારતીય જવાનો શહીદ થયા હતા અને એક અધિકારી ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ ઘાયલ થયેલા વધુ ત્રણ સૈનિકોનું કમનસીબે મોત થયું હતું. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સંયુક્ત ઓપરેશનમાં કુલ પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો છે.