અમદાવાદમાં લિંગ પરીક્ષણ કરતી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી અને મધર્સ પ્રાઈડ હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ

જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં થતા લિંગભેદના પરીક્ષણો અટકાવી ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના સૂત્રને સાકાર કરવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા બોડકદેવમાં આવેલી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ થતું હોવાની આશંકાના આધારે PC-PNDT એક્ટ અંતર્ગત રેઇડ પાડવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ, ડૉ. નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ છેલ્લા ઘણા સમયથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ડૉ. નિકુંજ તથા ડૉ. મીનાક્ષી દંપત્તિ હોવાની સાથે સાથે બોડકદેવ વિસ્તાર તથા સોલા રોડ પર પોતાના પ્રાઇવેટ ક્લિનિકસ્ પણ ધરાવે છે. આધારભૂત સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર ડોક્ટર નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ રૂપિયા ૨૫,૦૦૦ ની રકમ લઇને પેશન્ટને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા બોડકદેવ વિસ્તારની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં જઈને રેઇડ પાડવામાં આવી હતી જ્યાં ડૉ. નિકુંજ શાહ તથા ડૉ. મીનાક્ષીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો કે તેઓ પેશન્ટને ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા. આ કાર્યવાહી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા ઉપરોક્ત બંને હોસ્પિટલમાં પંચનામું કર્યા બાદ બંને હોસ્પિટલોમાંથી એક-એક સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે તથા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. ડૉ નિકુંજ તથા ડૉ. મીનાક્ષીને ઉપરોક્ત કાર્યવાહી બાદ આ દંપત્તિ ઉપર ફોજદારી કાર્યવાહી અંતર્ગત આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

PC -PNDT એક્ટ અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાનૂની છે. અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં આ પ્રકારની કાર્યવાહીથી અલ્ટ્રા સાઉન્ડ મશીનો સીલ કરવામાં આવ્યા છે તથા અમદાવાદ જિલ્લામાં આ કારણસર સેક્સ રેશિયોમાં પણ સુધારો જોવા મળ્યો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી PC-PNDT કાયદાનો કડકાયથી અમલ કરી રહ્યા છે જેથી આ પ્રકારની અયોગ્ય પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરની ઉપર કાર્યવાહી કરી બોડકદેવ વિસ્તારની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ ઉપર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલના સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા અવારનવાર કરવામાં આવતા આ પ્રકારના ઓપરેશનના કારણે અમદાવાદ જિલ્લાના સેક્સ રેશિયોમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તથા દીકરીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે તથા ભવિષ્યમાં પણ આ પ્રકારના લિંગભેદના પરીક્ષણો કરનારા ડૉક્ટર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકાર ડૉ. શૈલેષભાઈ પરમારનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *