અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩ દિવસમાં ૩ અંગદાતાઓના અંગદાનથી ૯ વ્યક્તિઓને નવજીવન મળ્યું

૧૦૭ મા અંગદાનમા બ્રેઈનડેડ મનોજભાઇના લિવર તથા બે કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓનું જીવન બદલાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં લગોલગ ત્રણ અંગદાન થયા છે. આ ત્રણ અંગદાન માં મળેલા નવ અંગોએ નવ જરૂરિયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું છે. કહેવાય છે કે , જીવન અને મરણ એ પરમ કૃપાળુ પરમાત્માના હાથમાં છે .પરંતુ આ  તબીબો પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવીને કોઈક જરૂરિયાતમંદને નવજીવન બક્ષી શકે છે તેનું આ આદર્શ  ઉદાહરણ છે. સિવિલ હોસ્પિટલના તબિબોએ  નક્કી  જ કરી લીધું છે કે ગુજરાતમાં કોઈપણ જીવંત વ્યક્તિને અંગોનું દાન કરવું પડે નહીં અને બ્રેઇન્ડેડ થતા દર્દીના પરિવારજનોના અંગદાનના નિર્ણયથી કોઈકને નવું જીવન મળી શકે. તેવા શુભ આશાય સાથે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમ  રાઉન્ડ ધ ક્લોક અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો છે .જેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે.

તા. ૦૭/૦૫/૨૦૨૩ ના રોજ  થયેલ ૧૦૭ માં અંગદાનની વિગત જોઈએ તો ૨૫ વર્ષના મનોજભાઈ કે જેઓ મૂળ રાજકોટના નિવાસી હતા. તેઓને અકસ્માત થતાં માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી‌. જેના પરિણામે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે દાખલ કરાયા હતા તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શકાયા નહીં. આ દરમિયાન તબીબોને મનોજભાઇના  બ્રેઇન્ડેડ થયાની જાણ થઇ. જેના કારણે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમે મનોજભાઈના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી .પરિવારજનોએ પણ આ સત્કાર્ય કરવા માટે સંમતિ દર્શાવી. જેના પરિણામ સ્વરૂપ મનોજભાઈના અંગદાન થકી બે કિડની અનેક લીવરનું દાન મળ્યું. જેને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આમ મનોજભાઈ અંગદાન કરીને અમર થઈ ગયા અને તેઓ બીજા ત્રણ વ્યક્તિઓને પણ કાર્યક્ષમ જીવન પ્રદાન કરતા ગયા. સિવિલ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી આજે અમદાવાદમાં અંગદાનની સરવાણી વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ અને અંગદાતા પરિવારજનોનના સંયુક્ત પ્રયાસોથી નવ લોકોને નવજીવન આપવામાં સફળતા મળી છે. આ યજ્ઞ છે અંગદાનનો, આ યજ્ઞ છે મદદ અને સેવાભાવનો. અમારા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધીમાં ૧૦૭ અમર અંગદાતાઓના અંગદાનથી ૩૨૨ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે. અમારો આ અંગદાન નો સેવાયજ્ઞ અવિરત અને ચાલતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *