વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા-બેઠક કરી હતી. આ બેઠકે ભારત-ઈઝરાયેલ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી.
બેઠક બાદ ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, બંને દેશોએ I2U2 માં પ્રગતિ અને બહુપક્ષીય મંચોમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ઉપરાંત, યુક્રેન, ઈન્ડો-પેસિફિક અને સંબંધિત પ્રદેશો અંગે વિચારોની આપ-લે કરવામાં આવી હતી. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત અને ઈઝરાયેલ વચ્ચે કૃષિ, પાણી, સંરક્ષણ અને સુરક્ષા પર વિશેષ ભાગીદારી છે જે દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જઈ રહી છે. તેમણે કહ્યું કે પાણી અને કૃષિ ક્ષેત્રમાં નવા કરારો થઈ શકે છે. વિદેશ મંત્રીએ ઉચ્ચ ટેક્નોલોજી, ડિજિટલ અને ઇનોવેશન, કનેક્ટિવિટી, પર્યટનની તેજી, નાણાં અને આરોગ્ય ક્ષેત્રે સહકાર વધારવા અંગે પણ ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ તીન મૂર્તિ હાઈફા ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે બોલતા ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે તીન મૂર્તિ હાઈફા ચોક ભારત-ઈઝરાયેલના સહિયારા ઈતિહાસનું પ્રતીક છે અને તે ભારત-ઈઝરાયેલની શાશ્વત મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. ઇઝરાયલના વિદેશ મંત્રી કોહેને ઇઝરાયેલમાં સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારતની ત્રણ દિવસની તેમની મુલાકાત ઘટાડવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કર્યું કે તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ઈઝરાયેલ પરત ફરશે.