પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ ચીફ અને પૂર્વ પીએમ ઈમરાન ખાનને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. એક દિવસ પહેલા એનસીબીએ તેમની ઈસ્લામાબાદ કોર્ટમાંથી ધરપકડ કરી હતી.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને દેશની સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપતાં છોડી મૂક્યાં છે. SCએ તેમની ધરપકડને ગેરકાનૂની ઠેરવી છે અને તાત્કાલિક છોડી દેવાનાં આદેશ પણ આપ્યાં છે. SCએ કહ્યું કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે ઈમરાન ખાન સાથે અન્યાય થયો છે. કોર્ટે ઈમરાન ખાનને આવતીકાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનાં પણ આદેશ આપ્યાં છે. ગઈ કાલે નેશનલ એકાઉન્ટિબિલીટીએ અલ કાદિર ટ્રસ્ટમાં નાણાકીય ગોટાળા બદલ ઈસ્લામાબાદ કોર્ટમાંથી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. ઈમરાન ખાને તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદીયલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહની બનેલી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પીટીઆઇના વડા ઇમરાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. ખંડપીઠે ઇમરાનની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. કોર્ટે કહ્યું કે, ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે, કોર્ટમાં ડરનો માહોલ બનાવવામાં આવ્યો.
કોર્ટે એનએબીને પૂછ્યું છે કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે કરી શકાય. એનએબીએ કોર્ટનું અપમાન કર્યું છે. સાંજે લગભગ 4 વાગે સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. આ સાથે ચીફ જસ્ટિસ બાંદીલે કડક સૂચના આપી હતી કે, ઈમરાન ખાનના આગમન પર રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ન આવે.
ઈમરાન ખાનની ધરપકડ પર કોર્ટે કહ્યુ કે જો કોઈ વ્યક્તિએ કોર્ટ સામે આત્મસમર્પણ કરી દીધુ છે તો તેની ધરપકડ કરવાનો શું અર્થ છે? આ રીતે ભવિષ્યમાં ન્યાય માટે કોર્ટમાં પણ કોઈ પોતાને સુરક્ષિત નહીં માને. ચીફ જસ્ટિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ધરપકડ પહેલા રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.