રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના

રાજકોટ હિટ એન્ડ રન:- રાજકોટ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કાર ચાલકે અડફેટે લેતા આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ, પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી.

રાજકોટમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલ પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી બ્રિજ પર પૂરપાટ વેગે આવતી કારે યુવકને કચડી નાંખતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જે બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ સ્થળે લોકોના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

રાજકોટના બિલ્ડરની કાર હોવાની પ્રાથમિક માહિતી 

કારમાં યુવતી પણ સવાર હતી, યુવકને અડફેટે લીધા બાદ કારમાં સવાર યુવક-યુવતી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર રાજકોટના બિલ્ડરની હોવાનું સામે આવ્યું હતું. RTOની વેબસાઇટ પર આ કાર વિરેન જસાણીના નામે રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા વિરેન જસાણીનો સંપર્ક કરતા તેમણે કાર થોડા સમય પહેલા જ વહેચી નાખી હોવાનું જણાવ્યું હતું.

હાલ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ૫ દિવસ અગાઉ પણ રાજકોટના અમીન માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *