રાજકોટ જિલ્લાના પ્રભારી તથા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ સરકારી વિભાગોના સંકલનથી પ્રગતિ હેઠળના વિકાસ કામો પૂર્ણ કરવા રાઘવજી પટેલે ઉપસ્થિત અધિકારીઓને સુચના આપી હતી.
પ્રભારી મંત્રી રાઘવજી પટેલેએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નિર્માણાધીન વિકાસ કામોની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાત્રિના સમયે માનવીય ભૂલોથી થતા અકસ્માતો નિવારવા માટે સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને જરૂરી પગલાં લેવા કડક સૂચના આપી હતી. તથા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ રજુ કરેલા જનહિતના પ્રશ્નોનું રજીસ્ટર નિભાવી પ્રશ્નો અંગે કરવામાં આવેલ કામગીરીની સંબંધિત મંત્રીને જાણ કરવા આદેશ આપ્યા હતા.
મંત્રી ભાનુબેન બાબરીયાના લોધિકા તાલુકાના કાચા રસ્તાના કામો, મવડી-પાળ રી-સર્વેના કામો સહિત સંસદ સભ્ય રામભાઈ મોકરીયા તથા મોહન કુંડારીયાના વિવિધ પ્રશ્નો આ બેઠકમાં રજુ કરાયા હતા, જેનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી. આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એસ.ટી.ની બસો, આંગણવાડી કેન્દ્ર, ગ્રામ્ય સડકો, વૃક્ષારોપણ વગેરે અંગેના પ્રશ્નો પણ રજૂ થયા હતા.
આગામી તા. ૨૪ થી ૨૮ મે દરમિયાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના ગૌ ટેક એક્સપોનો સંબંધિત સર્વેને લાભ લેવા માટે મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો. નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરે બેઠકના પ્રારંભે ઉપસ્થિતોને આવકાર્યા હતા. અને મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કુંવરજી બાવળિયાનુ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા, ઉદય કાનગડ, દર્શિતા શાહ અને રમેશ ટીલાળા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડિરેક્ટર એમ. જે. દવે, નગરપાલિકાના અધિક કલેક્ટર ઇલાબેન ચૌહાણ, પ્રાંત અધિકારી જે.એન. લિખિયા, સંદીપ વર્મા, વિવેક ટાંક, કે. જી. ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી બ્રિજેશ કાલરીયા, ડી.સી.પી. પૂજા યાદવ, મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ. ઠુંમ્મર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એન. એમ. રાઠોડ સહિતના સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.