મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બે તાલુકાના જળાશયો ધરોઇ યોજનાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તર ગુજરાતના સતલાસણા અને ખેરાલુ તાલુકાના બંન્ને તાલુકાના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે જ્યારે આ વિસ્તારમાં વરસાદની અનિયમતાને કારણે ભૂર્ગભ જળસ્તર પણ ઉંડા ઉતરી ગયા છે. એટલું જ નહીં સિંચાઇ અને પશુપાલન માટે પુરતું પાણી પણ ખેડૂતોને મળી શકતું નથી.. આ સમસ્યા નિવારવા આ બંન્ને તાલુકાના ગામોમાં નવીન પાઇપલાઇન નાંખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂર્ગભ જળસ્તરો ઉંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ખેરાલુ અને સતલાસણા તાલુકાના આશરે ૫૩ ગામોના તળાવો અને ૮ ચેકડેમને સીધા જોડાણથી તથા આઠ તળાવો અને ૫ ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ ૭૪ તળાવો અને ચેકડેમ દ્વારા પાંચ હજાર ૮૦૮ હેક્ટર જમીનને સિંચાઇ માટે પાણી આપી શકાશે. જે હેતુથી ૧૧૮.૧૪ કિલોમીટર લાંબી પાઇપલાઇન નાંખવામાં આવશે અને આ સિંચાઇથી બે તાલુકાના ૨,૭૦૦ થી વધુ ખેડૂતોને લાભ મળશે. આ માટે રાજ્ય સરકારને ૩૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.