રાજકારણના મોટા સમાચાર:- લોકસભાની ચૂંટણી પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. કારણ કે, સંખેડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધીરુભાઈ ભીલની સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ સમાચાર મોટા ઝટકા સમાન છે.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપનો ખેસ ધારણ કરશે. ધીરુભાઈના ભાજપમાં જોડાયા બાદ ભાજપની આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત બનશે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ધીરુભાઈ ૬ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાંથી ૪ વખત તેઓ વિજેતા થયા હતા. જોકે, ગત વિધાનસભા (વર્ષ ૨૦૨૨)ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ હરાવ્યા હતા.
ગત વિધાનસભાની ચૂંટણીમાં છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આ ચૂંટણીમાં ભાજપના અભેસિંહ તડવીને ૯૯,૩૮૭ મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલને ૬૮,૭૧૩ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજન તડવીને ૧૮,૩૪૪ મતો મળ્યા હતા.
૨૦૦૨ માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી. વર્ષ ૨૦૦૭ માં તેઓ ફરી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ બાદ ૨૦૧૨ માં પણ તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ ફરી ૨૦૧૭ અને ૨૦૨૨ માં કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. જોકે, બંને વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.