કર્ણાટક સીએમ સમાચાર:- કર્ણાટકમાં કોંગ્રેસે જીત મેળવી છે પરંતુ સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. છેલ્લા ૪ દિવસથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એવામાં વધુ એક નેતાએ મુખ્યમંત્રીની ખુરશીની માંગ કરી છે.
કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ હવે સીએમ પદને લઈ કોકડું ગુંચવાયેલું છે. હજી પણ કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ ચાલુ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતને ચાર દિવસ થઈ ગયા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યું નથી. હાલમાં સીએમ ની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનું નામ સૌથી આગળ છે. એવા આ બંને ચર્ચિત વિકલ્પો વચ્ચે સીએમ પદની રેસમાં હવે ત્રીજુ નામ પણ સામે આવી રહ્યું છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બાદ હવે કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરે પણ મુખ્યમંત્રી પદને લઈને પોતાની દાવેદારી રજૂ કરી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે, “જો તક આપવામાં આવે તો હું ટોચનું પદ સંભાળવા તૈયાર છું. ૨૦૧૩ માં હું હારી ગયો એ અલગ વાત છે. હું ૫૦ ધારાસભ્ય અને તેનાથી વધારેની સાથે પણ મારી તાકાત બતાવી શકું છું. હું એવું કરવા માંગતો નથી. નેતાઓ મારું યોગદાન જાણે છે. હું ડેપ્યુટી સીએમ, પાર્ટી અધ્યક્ષ રહી ચૂક્યો છું. હું મુખ્યમંત્રીની જવાબદારી લેવા માટે તૈયાર છું.”
કર્ણાટકમાં કોંગ્રેસે જીત મેળવી છે પરંતુ સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી પદને લઈ ચાલતા મંથન વચ્ચે હવે હાઈકમાન્ડનો ઝુકાવ સિદ્ધારમૈયા તરફ છે પરંતુ પાર્ટી ડીકે શિવકુમારને કોઈપણ રીતે નારાજ કરી શકે નહીં. આ દરમિયાન ડીકેએ નિવેદન આપ્યું છે કે, કાં તો મને સીએમ બનાવો અથવા ધારાસભ્ય તરીકે જ રહેવા દો.
કર્ણાટક ચૂંટણીમાં ભાજપને હરાવી ભવ્ય જીત મેળવનાર કોંગ્રેસ હવે સીએમ ના ચેહરાને લઈ મંથનમાં લાગ્યું છે. વાત જાણે એમ છે કે, છેલ્લા ૪ દિવસથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે દિવસભર બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ તરફ ખડગેએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. બંને વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. કોંગ્રેસની આ બેઠકમાં પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ હાજરી આપી હતી. ખડગેએ સોમવારે પાર્ટીના ત્રણેય નિરીક્ષકો અને વરિષ્ઠ નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. નિરીક્ષકોએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તેમના અભિપ્રાયના આધારે તેમનો અહેવાલ પણ સુપરત કર્યો હતો.