નવા સંસદ ભવનનાં સિવિલ સ્ટ્રક્ચરની સફાઈ શરૂ થઈ ગઈ, આ મહિનાના અંત સુધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે
દિલ્હીમાં બની રહેલ નવા સંસદ ભવનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા હેઠળ નવા સંસદ ભવનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર નવા સંસદ ભવનનાં સિવિલ સ્ટ્રક્ચરની સફાઈ શરૂ થઈ ગઈ છે. આ મહિનાના અંત સુધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. જો કે તેના ઉદ્ઘાટનની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એવી અટકળો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દિવસે કેન્દ્રની ભાજપ સરકાર પણ તેના ૯ વર્ષ પૂર્ણ કરશે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ૩ કિલોમીટર લાંબા રસ્તાને રિડેવલપ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ૮ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તે જ દિવસે, તેમણે તેનું નામ રાજપથથી બદલીને કર્તવ્ય પથ કરવાની જાહેરાત કરી હતી. સંસદ ભવન સિવાય વડાપ્રધાન કાર્યાલય-ગૃહ, કેન્દ્રીય સચિવાલય બિલ્ડિંગ અને વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ પણ સેન્ટ્રલ વિસ્ટા પાવર કોરિડોરનો ભાગ છે. આ કેન્દ્ર સરકારની એજન્સી CPWD દ્વારા બનાવવામાં આવી રહી છે.
૬૪,૫૦૦ ચોરસ મીટરમાં બનેલી નવી સંસદની ઇમારત ૪ માળની છે. તેના ૩ દરવાજા છે જેના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. સાંસદો અને VIP માટે અલગથી પ્રવેશ છે. નવી ઇમારત જૂની ઇમારત કરતાં ૧૭,૦૦૦ ચોરસ મીટર મોટી છે. તેના પર ભૂકંપની અસર નહીં થાય. તેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે.
બિલ્ડીંગની સૌથી મોટી વિશેષતા કોન્સ્ટીટ્યુશન હોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હોલમાં બંધારણની નકલ રાખવામાં આવશે. આ સિવાય મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ, દેશના વડાપ્રધાનોની મોટી તસવીરો પણ લગાવવામાં આવી છે.
ત્રિકોણાકાર આકારની નવી સંસદ ભવનનું નિર્માણ ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ શરૂ થયું હતું. આ બિલ્ડીંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. PM નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત તેની આઝાદીના ૭૫ વર્ષ ઉજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે.
હાલમાં લોકસભામાં ૫૯૦ લોકોની બેઠક ક્ષમતા છે. નવી લોકસભામાં ૮૮૮ બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં ૩૩૬ થી વધુ લોકો માટે બેઠક છે. હાલમાં રાજ્યસભાની બેઠક ક્ષમતા ૨૮૦ છે. નવી રાજ્યસભામાં ૩૮૪ બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં ૩૩૬ થી વધુ લોકો બેસી શકશે. લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ ૧૨૭૨ થી વધુ સાંસદો એકસાથે બેસી શકશે. સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ-અલગ ઓફિસ છે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઇટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાફે અને ડાઇનિંગ એરિયા પણ હાઇટેક છે. સમિતિની બેઠકના અલગ-અલગ રૂમમાં હાઇટેક સાધનો લગાવવામાં આવ્યા છે. અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને વીઆઈપી લાઉન્જ પણ છે.
વર્તમાન સંસદ ભવન ૯૫ વર્ષ પહેલા ૧૯૨૭ માં બનાવવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૨૦ માં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, જૂની ઇમારતનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જૂના બિલ્ડીંગમાં સાંસદોને સમાવવા માટે પૂરતી જગ્યા નથી જે લોકસભા સીટોના નવા સીમાંકન બાદ વધશે. આ કારણોસર નવી ઇમારત બનાવવામાં આવી રહી છે.