કુદરતી આફત: ઈટાલીમાં માત્ર ૩૬ કલાકમાં સિઝનનો ૫૦ % વરસાદ વરસ્યો

ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન ૧૦૦૦ મીમી વરસાદ પડે છે. જ્યારે હવે ત્યાં ૩૬ કલાકમાં ૫૦૦ મીમી વરસાદ પડ્યો છે, વીજળી વ્યવસ્થા ઠપ, ૫૦૦૦૦ થી વધુ લોકો અંધારામાં જીવવા મજબૂર

ઉત્તર ઇટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે જેટલો વરસાદ વર્ષ દરમિયાન થાય છે તેનો અડધો તો છેલ્લા ૩૬ કલાકમાં જ વરસી ગયો હતો.

ઈટાલીમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન ૧૦૦૦  મીમી વરસાદ પડે છે. જ્યારે હવે ત્યાં ૩૬ કલાકમાં ૫૦૦ મીમી વરસાદ પડ્યો છે. જેના કારણે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી, શહેરોના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા અને હજારો હેક્ટર ખેતીની જમીન પૂરની લપેટમાં આવી ગઈ. પૂરના કારણે ઈમોલાની દક્ષિણે, ફેન્ઝા, સેસેના અને ફોર્લીની શેરીઓમાં પાર્ક કરેલી કારોની છત પર કાદવવાળું પાણી ફરી વળ્યું હતું. ઘણી દુકાનો પણ ગંદા પાણીથી ભરાઈ ગઈ હતી અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો.

મુસુમેસી અનુસાર, ૫૦,૦૦૦ લોકો હાલ અંધારામાં જીવવા મજબૂર છે કેમ કે વીજ વ્યવસ્થા ખોરવાઈ ગઇ હતી.  વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ટ્વિટ કરીને અસરગ્રસ્તો સાથે એકજૂટતા વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર જરૂરી સહાય સાથે દરમિયાનગીરી કરવા તૈયાર છે. સરકારે જાહેરાત કરી કે કટોકટી સેવાઓએ બચાવના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

ઇમોલામાં રવિવારની કાર રેસિંગ ચેમ્પિયનશિપ ફોર્મ્યુલા વન એમિલિયા રોમાગ્ના ગ્રાન્ડ પ્રિકસ બુધવારે પૂરને કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે.  આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૂરને કારણે અમારા ચાહકો, ટીમો અને કર્મચારીઓ માટે ફોર્મ્યુલા વન ઇવેન્ટ્સ સુરક્ષિત રીતે યોજવી શક્ય નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *