અમદાવાદ શહેરમાં ૧૨૦ થી વધુ જેટલાં તળાવો આવેલાં છે. તળાવમાં ડેવલપમેન્ટ કરી અને લોકોના ફરવા માટે ગાર્ડન કમ લેક તૈયાર કરવામાં આવે છે. એસજી હાઇવે ઉપર આવેલા છારોડી ગામના તળાવને અલગ રીતે જ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. આ તળાવમાં કોઈપણ પ્રકારનો ગાર્ડન બનાવવામાં આવ્યો નથી, પરંતુ એક બેસવા માટે અને તળાવનો નયનરમ્ય નજારો લોકો જોઈ શકે તેના માટે ગેલેરી બોક્સ જેવું તૈયાર કરવામાં આવ્યું છે. આખું તળાવ એક જ જગ્યાએ ઊભા રહી અને લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા આ ગેલેરી બોક્સમાં કરવામાં આવી છે. ગેલેરી બોક્સમાંથી રાત્રિના સમયે પણ તળાવનો સુંદર નજારો હવે અમદાવાદીઓ જોઈ શકશે.
અમદાવાદ શહેરમાં આવેલાં વિવિધ તળાવોનું બ્યુટિફિકેશન કરી લોકોના હરવા-ફરવા માટેના સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. ત્યારે એસજી હાઇવે ઉપર છારોડી ગામ નજીક આવેલા છારોડી તળાવનું રૂપિયા ૫ કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન કરી અને લોકો માટે રવિવારે ખુલ્લું મૂકવામાં આવશે. છારોડી તળાવ એસજી હાઇવેને એકદમ અડીને આવેલું છે અને લોકો આ તળાવનો નયનરમ્ય નજારો જોઈ શકે તેના માટે ખાસ એક ગેલેરી બોક્સ જેવું તૈયાર કરવામાં આવ્યું છે, જેથી લોકો ત્યાં ઊભા રહી અને આરામથી તળાવનો નજારો જોઈ શકશે.
છારોડી તળાવની આસપાસ લોકો ચાલી શકે તેના માટે જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. બે જેટલા પે એન્ડ યુઝ પણ તૈયાર કરવામાં આવ્યા છે. છારોડી તળાવની વિશેષતા એ છે કે, ત્યાં લોકોને બેસવા માટે અને તળાવનો નયનરમ્ય નજારો જોઈ શકે તેના માટે લોખંડની રેલિંગ લગાવી ગેલેરી બનાવવામાં આવી છે. આ તળાવનું બ્યુટિફિકેશન કરવાનું નક્કીમાં કરવામાં આવ્યું ત્યારે આ રાજ્ય સરકારની ગૌચર જમીન હતી. આ જમીન પર રહેલા દબાણને દૂર કરવામાં આવ્યાં હતાં અને ત્યાં રહેલા કેટલાક લોકોને ખસેડવામાં આવ્યા હતા. તળાવની નજીક છારોડી ગામનો ચોરો આવેલો છે અને મંદિર પણ આવેલું છે, જેને યથાવત્ સ્થિતિમાં રાખવામાં આવ્યું છે. આ તળાવનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
અમદાવાદના એસજી હાઇવેની આસપાસનો વિસ્તાર હવે ડેવલોપ થઈ રહ્યો છે અને ત્યાં નવી રહેણાક સ્કિમો બની ગઈ છે. જગતપુર, ગોતા અને વૈષ્ણોદેવી આસપાસના વિસ્તારમાં રેસિડેન્સિયલ બિલ્ડિંગો બની રહી છે, ત્યારે લોકોને માટેનું એક નયનરમ્ય સ્થળ મળી રહે તેના માટે આ છારોડી તળાવને ડેવલોપ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છારોડી તળાવને ઇન્ટરલિંક કરવામાં આવ્યું છે. ગોતા, જગતપુર અને ચાંદલોડિયા વિસ્તારના તળાવોને ઇન્ટરલિંગ કરતા હવે આ વિસ્તારમાં ઝડપથી વરસાદી પાણીનો નિકાલ થશે.