હવામાન વિભાગે જણાવ્યું :- ગુજરાતમાં ૩ દિવસ ગરમી યથાવત્ રહેશે. ૩ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે.