અફઘાનિસ્તાન એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, ૨ પાયલોટના મૃત્યુ

તાલિબાન શાસિત અફઘાનિસ્તાન એરફોર્સનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ઉત્તરીય સમંગાન પ્રાંત નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટના મોત થયા હતા. ઘટનાની પુષ્ટિ કરતા તાલિબાનના સંરક્ષણ વિભાગે જણાવ્યું કે, વાયુસેનાનું MD-530 હેલિકોપ્ટર હાઈ-વોલ્ટેજ ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. જેના કારણે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તે ક્રેશ થઈને તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં બંને પાયલોટના મોત થઈ ગયા છે.

આ દુર્ઘટના સમંગાન પ્રાંતના ખુલ્મ જિલ્લામાં બની હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનના માહિતી વિભાગના વડાએ પણ અકસ્માતની પુષ્ટિ કરી છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રથમ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટના નથી. આ પહેલા પણ ટેક્નિકલ ખામીના કારણે અનેક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનાઓમાં ઘણા પાયલોટના મોત થયા છે. ઓગસ્ટ ૨૦૨૧ માં અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યો ત્યારથી વાયુસેનાના ઘણા હેલિકોપ્ટર અજાણ્યા કારણોસર અકસ્માતનો ભોગ બન્યા છે. આ દુર્ઘટનાઓની તપાસમાં ટેકનિકલ ખામીનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ અગાઉ ગયા વર્ષે ૧૦ સપ્ટેમ્બરે કાબુલમાં સૈન્ય તાલીમ દરમિયાન યુએસ નિર્મિત બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *