IPL ૨૦૨૩ :- ટુર્નામેન્ટની ક્વોલિફાયર – ૧ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે રમાશે. જો ચેન્નાઈ સુપર પહેલા બેટિંગ કરશે તો તેની જીતવાની સંભાવના વધારે છે, કારણ કે ચેન્નાઈ સુપર એ પહેલા બેટિંગ કરીને અત્યાર સુધીમાં ૬૩ % મેચ જીતી છે.
IPL ૨૦૨૩ ને આજે ફાઇનલમાં પહોંચનારી એક ટીમ મળી જશે. ટુર્નામેન્ટની ક્વોલિફાયર-૧ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટેબલ ટોપર્સ બંને ટીમો દમદાર ફોર્મમાં છે અને વિજેત ટીમને ફાઈનલની ટિકિટ મળશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર-૨ ના રસ્તેથી ફાઇનલમાં પહોંચવાની એક વધારાની તક મળશે. ક્વોલિફાયર મેચમાં ધોની સામે હાર્દિક પંડ્યાનો પડકાર આસાન બનવાનો નથી. જોકે, આંકડાઓ પર નજર કરીએ તો તે ગુજરાત ટાઈટન્સની તરફેણમાં છે. આ લીગમાં ગુજરાતની ટીમ એક વખત પણ ચેન્નાઈ સુપર સામે હારી નથી. આવી સ્થિતિમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્રસિંહ ધોની છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યા છે જેમણે પ્રથમ સિઝનમાં જ ખિતાબ જીત્યો હતો. પંડ્યા એમ.એસ ધોનીને પોતાના ગુરુ માને છે અને તેમની જેમ ભારતીય ક્રિકેટ ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવવા માંગે છે. તેઓ ધોનીની જેમ જ શાંત રહીને કેપ્ટનશિપ કરવામાં વિશ્વાસ રાખે છે. હવે જ્યારે બંને આમને-સામને છે, ત્યારે હરીફાઈ રસપ્રદ થવાની અપેક્ષા છે.
ચેન્નાઈ સુપર એ ચેપોક સ્ટેડિયમમાં આ વખતે ૭ માંથી ૩ મેચ હારી છે. ૨૦૨૩ પહેલા ટીમે અહીં ૭૩.૨૧ % મેચ જીતી હતી, પરંતુ આ વખતે માત્ર ૫૭.૧૪ % મેચો જ જીતી શકી છે. આમ તો ચેન્નાઈ સુપર ૪ વખતની ચેમ્પિયન ટીમ છે, પરંતુ ગત સિઝનમાં સામેલ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં ૩ મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈ સુપર ત્રણેય હારી ગઈ છે. જોકે આ ત્રણેય મેચ વાનખેડે, બ્રેબોર્ન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી. ચેપોક સ્ટેડિયમમાં આજે બંને ટીમો પ્રથમ વખત ટકરાશે.