આજથી બેંકોમાં ૨,000 રૂપિયાની નોટને બદલવાની પ્રક્રિયા શરૂ

આજથી બેંકોમાં ૨૦૦૦ રૂપિયાની નોટને બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે દરેકને મનમાં સવાલ છે કે, ૨૦૦૦ ની નોટને ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત બાદ શું હવે તેને ગેરકાયદે જાહેર કરવામાં આવશે ? અત્યાર સુધી RBIએ આવી કોઈ જાહેરાત કરી નથી. જોકે  RBIના સૂત્રોને ટાંકીને અહેવાલો અનુસાર જો ૨૦૦૦ની મોટાભાગની નોટો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં પરત નહીં આવે તો RBI કડક પગલાં લઈ શકે છે.

જો લગભગ તમામ નોટો પરત આવી જાય તો તેને ગેરકાયદે ચલણ તરીકે જાહેર કરવાની જરૂર નહીં રહે. જોકે તેમનું એમ પણ કહેવું છે કે, જો  RBIના અંદાજ કરતાં ઘણી ઓછી નોટો બેંકોને પરત કરવામાં આવશે તો કડક પગલાં લેવામાં આવી શકે છે. જેની પાસે આ નોટો છે તેમની પાસેથી નોટ પરત મળે તે સુનિશ્ચિત કરવા માટે RBI નિયમોને વધુ કડક બનાવવા પર વિચાર કરશે. વિદેશમાં રહેતા લોકો કે જેઓને ખરેખર સમસ્યા હોય અને નોટ જમા કરાવવામાં સક્ષમ ન હોય તેઓને સમય મળી રહે તે માટે હાલમાં તેને લીગલ ટેન્ડર તરીકે રાખવામાં આવ્યું છે.

RBIએ જણાવ્યું હતું કે,ચલણમાં રહેલી ૨૦૦૦ રૂપિયાની નોટોની કુલ કિંમત ૩.૬૨ લાખ કરોડ રૂપિયા છે. આ બજારમાં તમામ ચલણના માત્ર ૧૦.૮ % છે. બીજી તરફ લગભગ ૫ વર્ષ પહેલા ૩૧ માર્ચ ૨૦૧૮ ના રોજ ચલણમાં ૨૦૦૦ રૂપિયાની નોટોની કિંમત ૬.૭૩ લાખ કરોડ રૂપિયા હતી. ત્યારે તે ચલણમાં રહેલી કુલ નોટોના ૩૦ % થી વધુ હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *