આજે ગાંધીનગર ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી તથા પ્રોટોકોલને લગતી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સહકાર, પ્રોટોકલ, છાપકામ અને લેખન સામગ્રી તથા મીઠા ઉદ્યોગ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં સંબંધિત વિભાગની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી, જેના અનુસંધાને દ્વિપક્ષીય હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવામાં સ્થાયી પરામર્શ સમીતિ જેવી બેઠકોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જનતા જનાર્દનના પ્રાણપ્રશ્નો ધારાસભ્યઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે, અને તેના આધારે જ રાજ્ય સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવી શકે છે. આથી આ બેઠકમાં સૂચનો કરવા બદલ મંત્રીશ્રીએ તમામ ધારાસભ્યઓનો આભાર માન્યો હતો.
પરામર્શ સમિતિના સભ્ય સંસદસભ્ય-ધારાસભ્યઓ દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં, સહકારી મંડળીઓના અદ્યતન ડેટાબેઝ પોર્ટલ પર રજીસ્ટર કરવા, સરકારી યોજનાઓના ફોર્મ નાગરિકોને સુલભ થાય તેવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, સરકાર માન્ય નાણાં ધીરનાર દ્વારા ડિફોલ્ટના કિસ્સામાં દંડની રકમની મર્યાદા નક્કી કરવા, મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન માટે પાકા રસ્તાઓનું રણ વિસ્તાર સુધી એક્સ્ટેન્શન કરવા, મીઠા ઉદ્યોગ અને ઘુડખર અભયારણ્ય વચ્ચે તાદાત્મય જળવાઈ રહે તે રીતે વન વિભાગ સાથે સંકલન કરવા સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી. સંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરીયા દ્વારા પર્યાવરણના જતન માટે સહકારી ગોડાઉનના કેમ્પસમાં વૃક્ષોના વાવેતર-ઉછેર અંગે સૂચનો કરવામાં આવ્યાં હતાં, જે અંગે યોગ્ય કરવા મંત્રીશ્રીએ તત્પરતા દર્શાવી હતી.
સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં આમંત્રિત સભ્ય તરીકે સંસદસભ્ય રામભાઈ મોકરીયા અને રતનસિંહ રાઠોડ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, દસાડાના ધારાસભ્ય પરસોત્તમાભાઈ સોલંકી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, સુરત(પૂર્વ)ના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સહિતના ધારાસભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો અન્વયે વિચાર-વિમર્શ કર્યો હતો.
આ બેઠકમાં કુટિર અને ગ્રામોદ્યોગના સચિવ પી. કે. સોલંકી, સહકાર સચિવ કે. એમ. ભીમજીયાણી, પ્રોટોકોલના અધિક સચિવ શ્રી જ્વલંત ત્રિવેદી, લેખન અને છાપકામના નાયબ સચિવ ભાવિતા રાઠોડ અને નિયામક વી. એમ. રાઠોડ, સહકાર ખાતાના રજીસ્ટ્રાર ડી. એ. શાહ, મીઠા ઉદ્યોગના નાયબ સચિવ જે. બી. પટેલ અને ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ કમિશનર એસ. બી પારેજીયા, તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.