ભાજપનાં સાંસદ બૃજભૂષણ સિંહની ધરપકડ કરવાની માંગ સાથે કુસ્તીબાજોએ આજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈંડિયા ગેટ પર કુસ્તીબાજોનાં સમર્થનમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ પહોંચ્યા છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. આ કૂચમાં અનેક લોકો જોડાયા છે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ કુસ્તીબાજોને સમર્થન આપવા ઈન્ડિયા ગેટ પહોંચ્યા છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે. આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી બહેનોનું સન્માનઅમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી દેશની દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ જ રહેશે. ઘણાલોકો આ આંદોલનને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.
ભારતને પ્રેમ કરતા તમામ ધર્મ અને જાતિના લોકોએ સરકારને આ સવાલ પૂછવો જોઈએ કે ૧ મહિનાથી અમારા ચેમ્પિયન રસ્તા પર કેમ છે? તેમનું સ્થાન રોડ નહીં પણ અખાડો છે. રેસલર સાક્ષી મલિકે કહ્યું કે આ દેશની દીકરીઓની લડાઈ છે. જેમાં તમારે બધાએ અમારો સાથ આપવો પડશે જેથી અમને ન્યાય મળી શકે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી હજારો લોકોએ ન્યાય માટે કૂચ શરૂ કરી હતી. આજે અમારા આંદોલનને એક મહિનો પૂરો થયો છે. પરંતુ હજુ સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા દેખાતી નથી.
દેશના ઘણા પ્રખ્યાત કુસ્તીબાજો બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે ૨૩ એપ્રિલથી અહીં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સિંહ પર એક સગીર સહિત ૬ મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે ગયા મહિને ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિરુદ્ધ બે FIR નોંધી હતી.
ગત રવિવારે કુસ્તીબાજોના સમર્થનમાં હરિયાણાના રોહતકમાં ખાપ મહાપંચાયત પણ યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે WFI પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહના વિરોધને સમર્થન આપતી મહિલાઓ ૨૮ મેના રોજ નવા સંસદ ભવન સામે પંચાયત યોજશે. જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે.