કમાલ કલચદારલુને લગભગ ૪ % મતોના માર્જિનથી હરાવ્યા હતા.
તુર્કીમાં રેસેપ તૈયપ એર્દોગન ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને એર્દોગન ફરીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા અભિનંદન પાઠવ્યા હતા. રવિવારે ચૂંટણીના બીજા રાઉન્ડમાં, તેઓએ તેમના હરીફ કમાલ કલચદારલુને લગભગ ૪ % મતોના માર્જિનથી હરાવ્યા હતા. દેશના ચૂંટણી બોર્ડ દ્વારા ઓનલાઈન આપવામાં આવેલી માહિતી અનુસાર, ૯૯ % મતપેટીઓની ગણતરી બાદ એર્દોગનને ૫૨.૦૮ % જ્યારે કેમાલને ૪૮.૯૨ % મત મળ્યા હતા. કમાલ છ પક્ષોના સામાન્ય ઉમેદવાર હતા. કમાલે એર્દોગન પર મતગણતરીમાં ગડબડ કરવાનો આરોપ લગાવ્યો છે. મતોની ગણતરી પછી, એર્દોગને તેમના ઇસ્તંબુલ ઘરની બહાર સમર્થકોનું અભિવાદન કર્યું અને જીતની ઘોષણા કરી. તેમણે કહ્યું, હું દેશના તમામ નાગરિકોનો આભાર માનું છું, જેમણે મને ફરીથી આગામી ૫ વર્ષ માટે સરકારની કમાન સોંપી છે. ઇસ્તંબુલમાં એર્દોગનના સમર્થકોએ પરિણામ સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા જ ઉજવણી શરૂ કરી દીધી હતી.૧૪ મેની ચૂંટણીમાં એર્દોગનને ૪૯.૨૪ %, કમાલ કલચદારલુને ૪૫.૦૭ અને સિનેન ઓગાનને ૫.૨૮ % વોટ મળ્યા હતા. કોઈપણ ઉમેદવાર ૫૦ % થી વધુ મત મેળવી શક્યા ન હતા તેથી એક રનઓફ રાઉન્ડ જરૂરી હતો. જેમાં ફરીવાર રેસેપ તૈયપ એર્દોગને બાજી મારી છે.