ઓવર સ્પીડમાં વાહન ચલાવતા સુરતીઓની હવે ખેર નથી. કારણ કે હવે સુરત પોલીસ દ્વારા લેઝર સ્પીડ ગનથી નજર રાખવામાં આવશે. ઓવર સ્પીડમાં વાહન ચલાવનારાઓને ઈ મેમો મોકલવામાં આવશે.
સુરત શહેરમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. શહેરમાં નબીરાઓ ફૂલ સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માતો સર્જે છે, તો કેટલાક ખતરનાક સ્ટંટ પણ કરતા હોય છે. ત્યારે શહેરમાં ફૂલ સ્પીડમાં વાહન ચલાવનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઓવર સ્પીડમાં વાહન ચલાવનારાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.
વાહન ચાલકો પર નજર રાખવા માટે સુરત ટ્રાફિક પોલીસને સરકાર તરફથી ૩૦ લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આજથી જ શહેરના ૩૦ જેટલા રૂટ પર ટ્રાફિક પોલીસના જવાનો લેઝર સ્પીડ ગન સાથે તૈનાત રહેશે, તેઓ ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરશે.
ટ્રાફિક પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, સરકાર દ્વારા બીજી ૩૦ લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આ તમામ 30 સ્પીડ ગનનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરતમાં ટ્રાફિક પોલીસ લેઝર સ્પીડ ગનથી વાહન ચાલકોને દંડ ફટકારશે. ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને ઈ મેમો મોકલવામાં આવશે.