૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્ટિવ, ગુજરાતની અન્ય રાજ્યના મોટા નેતાઓને સોંપાઈ જવાબદારી.
ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં પ્રભારીઓની પણ નિમણૂક કરી દીધી છે. ગુજરાતમાં ભાજપે તમામ ૨૬ સીટો પર કબ્જો કરવાની સાથે મોટી જીતનું લક્ષ્ય પણ નક્કી કરી દીધું છે. આ વચ્ચે હવે ભાજપના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે.
૨૦૨૪ ની લોકસભા ચૂંટણી માટે ભાજપે અન્ય રાજ્યના નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપી છે. ભાજપે ભગવત કરાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, નારાયણ રાણે, સુધીર ગુપ્તા અને શ્યામ જાજુ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી, એવી બેઠકો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ જિલ્લાઓમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે. સંબંધિત બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જન સંપર્ક અભિયાન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.