‘માધવ’ ફોર્મ્યુલા પર મહારાષ્ટ્રમાં ભાજપની રાણનીતિ તૈયાર

મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘માધવ’ ફોર્મ્યુલા પર ભાજપની રાણનીતિ તૈયાર

મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે મહારાષ્ટ્ર બીજેપી ફરી ‘માધવ’ ફોર્મ્યુલા  પર કામ કરી રહી છે. આ કારણે પાર્ટી મુખ્યત્વે માલી, ધનગર અને વણજારી (બનજારા) સમુદાયના OBC વર્ગને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાનું પગલું એ જ વ્યૂહરચનાનો એક ભાગ છે.

મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનાર ચૂંટણીને લઈ હવે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. વાત જાણે એમ છે કે, રાણી અહિલ્યાદેવી હોલકર હિંમત, દાન અને ધાર્મિક કાર્યનું પ્રતીક છે. ધનગર સમાજ તેમને ભગવાનની જેમ પૂજે છે. ધનગર સમુદાય કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, પુણે, અકોલા, પરભણી, નાંદેડ અને યવતમાલ જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લગભગ ૧૦૦ વિધાનસભા મતવિસ્તારોમાં ધનગર સમાજ હાજર છે.

૪૦ થી વધુ વિધાનસભા મતવિસ્તારોમાં ધનગર સમુદાયના લોકો નિર્ણાયક વોટ શેર ધરાવે છે. નોંધનીય છે કે, ૨૦૧૪ માં સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેએ ધનગર, માલી અને વણજારા નેતાઓના ગઠબંધન માટે અથાક મહેનત કરી હતી. ભાજપને ચૂંટણીમાં તેનો સારો ફાયદો પણ મળ્યો. ૨૦૧૪ માં ભાજપે તેના ઢંઢેરામાં ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ટેકનિકલ કારણોસર પૂર્વ સીએમ ફડણવીસે વચન પૂરું કર્યું નથી. જોકે તેના બદલે પાર્ટીએ રાષ્ટ્રીય સમાજ પાર્ટીના વડા મહાદેવ જાનકરને કેબિનેટ મંત્રાલય આપ્યું, જે એક મજબૂત ધનગર નેતા અને મુંડે પરિવારના નજીકના સહયોગી હતા.

બીજેપી તેના ઉચ્ચ વર્ગના નેતૃત્વ માટે જાણીતું છે, પરંતુ પક્ષની છબી બદલવા અને મતની રાજનીતિને સક્ષમ બનાવવા માટે વસંતરાવ ભાગવતે સ્વ.ગોપીનાથ મુંડે, પ્રમોદ મહાજન, પાંડુરંગ ફંડકર, મહાદેવ શિવંકર અને અન્ય (માલી, ધનગર, વણજારી)ની મદદથી સફળતાપૂર્વક ‘માધવ’ સૂત્રનો ઉપયોગ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *