અમદાવાદમાં ૧૪૬ મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાના આરે

ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ૧૫ હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાનનું મામેરું ભરાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ૧૪૬ મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રૂપના યજમાનનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે અને હવે શાનદાર મોસાળું કરવાની ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે.

ભગવાનના વાઘા દર વર્ષે અલગ અલગ થીમ પર તૈયાર થાય છે. આ વર્ષે મરુન, પીળા રંગમાં હેન્ડવર્કથી વાઘામાં મોરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મામેરું ભવ્ય શોભાયાત્રા સાથે નીકળશે. જેમાં ૧૫ હાથી આગળ રહેશે અને હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા કરાશે. કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. શોભાયાત્રા માટે આ થીમ પર ડ્રેસકોડ રહેશે. જેના માટે ૪,000 સાડી અને ૨,000 ડ્રેસ તૈયાર કરાયા છે. ૭00 ઝભ્ભા અને ૭00 સાડી સાથે કનૈયા અને જશોદા તૈયાર થશે.

આ વર્ષે કુલ નવ યજમાનનાં નામ વચ્ચે ભગવાન જગન્નાથજીના મોસાળા માટે ડ્રો થયો હતો. જેમાં શાયોના ગ્રૂપના ઘનશ્યામ પટેલ ડ્રો દ્વારા ચિઠ્ઠીમાં યજમાન તરીકે જાહેર થયા હતા. મામેરું કરવા માટે યજમાનો વર્ષોથી રાહ જોતા હોય છે. યજમાન બનવા માટે બુકિંગ પણ એડ્વાન્સ થતાં હોય છે. સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રામાં ભગવાનના મામેરા માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિરમાં ટ્રસ્ટીઓની હાજરીમાં એક નાની દીકરી દ્વારા તમામ યજમાનોનાં નામની ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડાવી અને ડ્રો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *