ગુજરાતમાં વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ૧૨ ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.
ગુજરાત સહિત દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને મે-જૂન ગરમીના મહિના ગણાય છે, પરંતુ ગરમીની સાથે અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મે મહિનો પૂરો થઈ ચૂક્યો છે, છતાં પણ કેટલાક રાજ્યમાં આખો મહિનો ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આજે ફરી હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે ગુજરાતમાં વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ૭ થી ૧૧ જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે. તો ગુજરાતમાં ૧૫ જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ૧૨ ઈંચથી વધુ વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં ૪ ઈંચથી વધુ વરસાદની સંભવાનાઓ છે. ગુજરાતમાં ૧૫ જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે નું કહેવું છે કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનશે અને ૭ થી ૧૧ વાવાઝોડું જોર પકડશે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે. ૮ થી ૧૧ જૂનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, ભાવનગર, અમદાવાદ અને અમરેલીમાં વરસાદ ખાબકી શકે છે. તો આવતીકાલે એટલે કે રવિવારે ભાવનગર, અમરેલી, અમદાવાદ અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ વરસાદની શક્યતાઓ છે.