ઓડિશા દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના સીએમ પહોંચ્યા બાલાસોર, સીએમ મમતાએ નજીકમાં ઉભેલા રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું
ઓડિશાના બાલાસોર દુર્ઘટના બાદ હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ બાલાસોર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ તરફ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સીએમ મમતાએ નજીકમાં ઉભેલા રેલવે મંત્રીને આ રૂટ પર કવચ સિસ્ટમ ન હોવાનું કારણ પૂછ્યું હતું.
મુખ્યમંત્રી મમતા બેનરજી અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હોમ સ્ટેટ હોવાના કારણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પહેલાથી જ ત્યાં હાજર હતા. અશ્વિની વૈષ્ણવ મમતાનું આગમન થતાં જ તેમનું સ્વાગત કરી ઘટનાસ્થળે લઈ ગયા હતા અને રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓને તેમની સાથે નિરીક્ષણ કરવા માટે મોકલ્યા હતા.
મીડિયાને સંબોધિત કરતી વખતે બંને નેતાઓ એકસાથે ઉભા રહ્યા અને આ દરમિયાન રેલવે મંત્રી અને સીએમ મમતા વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. મમતા બેનર્જીએ મીડિયાને કહ્યું, તે ઓડિશા સરકાર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે એક ડૉક્ટર અને એમ્બ્યુલન્સ મોકલી છે અને તેની પાસે એન્ટિ-કોલિઝન ડિવાઇસ નથી.
મમતા બેનરજીએ કહ્યું કે, જેનું જીવન ગુમાવ્યું છે, તે જીવન પાછું નહીં મળે, તેથી હવે બચાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, રેલ્વેમાં તાલમેલનો અભાવ છે, કેમેરાની સામે રેલ્વે મંત્રી અને મમતા બેનર્જી વચ્ચે મૃતકોના આંકડા અને બચાવ કામગીરીને લઈને ચર્ચા થઈ હતી. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે લોકો હજુ પણ ત્રણ બોગીમાં ફસાયેલા છે, જ્યારે રેલ્વે મંત્રીએ આને ખોટું કહ્યું અને તેમને માહિતી આપી કે રેલ્વેએ તેનું બચાવ કાર્ય પૂર્ણ કરી લીધું છે.