સવારે ૦૬:૩૦ વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા વચ્ચે ભારે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી પરોઢથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. આ દરમિયાન સવારે ૦૬:૩૦ વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. આ તરફ ભારે પવન વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
મેટ્રો સિટી અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડતાં નોકરી જતાં લોકો અને સામાન્ય લોકોને પણ અસર થઈ હતી. અનેક જગ્યાએ વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશાઈ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જાહેરાતના હોર્ડિંગ્સ અને પોલીસના ટ્રાફિકના બેરીકેટ પણ હવામાં ઊડી ગયા હતા. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ બની હતી.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદને કારણે CN વિદ્યાલય રોડ પર ૨ ફૂટ પાણી ભરાયું છે. થોડા એવા વરસાદમાં અનેક વ્હીકલો પાણીમાં બંધ પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાનીંગ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ આવતા પક્વાન ચાર રસ્તા પર પોલીસ બેરીકેટ હવામાં ઉડી ગયા. આ તરફ પોલીસ બેરીકેટ સાથે હોર્ડિંગ પણ ધરાશાઈ થયા હોવાનું સામે આવ્યું છે.