પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર વીલા ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ૨૦ વિભાગો દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન રજૂ કરી મંત્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું. સિંચાઈ, કૃષિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરોગ્ય, માર્ગ અને મકાન, ઇ-ગ્રામ વિશ્વગ્રામની સેવાઓ, અનાજ વિતરણ વ્યવસ્થા, શિક્ષણ, સિંચાઇ સહિત વિભાગના અધિકારીઓને મંત્રી કુંવરજી બાવળિયાએ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સુચનો આપવાની સાથે લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ વી.આઈ.પી. રેફરન્સનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી. અરજદારોના પ્રશ્નોનું નિવારણ લાવવું એ આપણી ફરજ છે જેથી આ બાબતે ગંભીરતા રાખવા તાકીદ કરી હતી.
ઉપરાંત મંત્રીએ માધવપુર ખાતે કાર્યક્રમ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ગામ સડક યોજનાના કામો, સુજલામ સુફલામ જળસંચયના કામો, આંગણવાડીઓમાં બાળકોને મળતો પોષણયુક્ત આહાર, સસ્તા અનાજની દુકાનોંથી વિતરણ થતું લાભાર્થીઓને અનાજ વગેરે જનહિત લક્ષી યોજનાની જિલ્લામાં થતી કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ કામોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી જેમા 15માં નાણાંપંચ હેઠળ જિલ્લામા કુલ ૧૩૦ કામો રૂ. ૨૮૪.૨૭ લાખના ખર્ચે વર્ષ ૨૦૨૧-૨૨ મા થયેલ છે. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ ના 864 કામો માટે રૂ. ૧૮૭૪.0૫ લાખની ગ્રાન્ટ જિલ્લાને ફાળવવામા આવી છે. પંચાયત વિભાગમા કુલ-૩૧ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેને રૂ. ૧,૪૭,00,000/- સહાય આપવામા આવી છે.
પોરબંદર જિલ્લામાં તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના બાંધકામોની કામગીરી પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરાઇ હતી. આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના,તબીબી સહાય યોજના સહિતની યોજનાઓમા અપાયેલ સહાય ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાઅંતર્ગત પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોરબંદર હસ્તક હાલમાં ૦૯ રસ્તાઓની કામગીરી પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરાઇ હતી. સિચાઇ વિભાગના કુલ-૪૯ કામો પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. સુજલામ સુફલામ યોજના હેઠળ- કુલ-૮૫ કામો હાથ પરધરવામાં આવેલ તે પૈકી ૪૯ કામો પૂર્ણ કરાયા છે.
ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વિવિધ કામોની સમીક્ષા. ક્ષાર અંકુશ વિભાગ હેઠળના હાલના મહત્વના કામોની સમીક્ષા કરવાની સાથે વિવિધ ૨૦ વિભાગો દ્રારા થયેલા અને ચાલુ કામોની સમીક્ષા કરીને મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમા જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, મહાનુભાવ રમેશભાઇ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર એમ.કે.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.