દિલ્હીમાં અમિત શાહ અને બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ વચ્ચે ૨ કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળ્યા છે. વિગતો મુજબ આ બેઠક ૩ જૂનની રાત્રે અમિત શાહના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. મહત્વનું છે કે, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ ત્યાં પહોંચ્યા હતા. અહેવાલ છે કે, અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે ૨ કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી.
બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તેમની ગૃહમંત્રી સાથે મુલાકાત થઈ છે. તેમણે મીટિંગ સંબંધિત અન્ય કોઈ માહિતી આપી નથી. રિપોર્ટ અનુસાર અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન કુસ્તીબાજોએ બૃજભૂષણ સિંહ પર લાગેલા આરોપોની તપાસની સ્થિતિ પર ચર્ચા કરી. કુસ્તીબાજોએ વહેલી તકે મજબૂત ચાર્જશીટ દાખલ કરવાની માંગ પણ કરી હતી.
ગૃહમંત્રીએ કહ્યું કે, યોગ્ય પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે. મહત્વનું છે કે, આ અગાઉ રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને નિષ્પક્ષ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અને કાયદાને તેના માર્ગે ચાલવા દેવા વિનંતી કરી હતી.
૨૮ એપ્રિલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી હતી. આમાં જાતીય સતામણી, છેડતી, ધાકધમકીથી સંબંધિત ઘણી કથિત ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ FIRમાં ૬ કુસ્તીબાજો સામેના આરોપો સામેલ છે. બીજી FIRમાં સગીર કુસ્તીબાજના પિતાની ફરિયાદના આધારે લખવામાં આવી હતી. FIR મુજબ બે આરોપો વ્યાવસાયિક મદદના બદલામાં જાતીય તરફેણની માંગ સાથે સંબંધિત છે. ઓછામાં ઓછા ૧૫ કેસ જાતીય સતામણીના છે, જેમાં અયોગ્ય સ્પર્શ, સ્તનોને સ્પર્શ કરવો, નાભિને સ્પર્શ કરવો અને ધાકધમકી આપવા જેવી ઘટનાઓ છે.