હજુ કેરળના દરિયાકાંઠે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી નથી થઈ ત્યારે અરબ સાગરમાં વાવાઝોડાએ આકાર લીધો છે. હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડુ ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે.
ગુજરાત પર વાવઝોડાના સંભવિત ખતરાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવઝોડું હવે સતત આગળ વધી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા ગુજરાત, ત્યાર પછી પાકિસ્તાન અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર પણ બની ગયું છે.
વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો જેમ કે વેરાવળ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરત સહિતના આ વાવાઝોડું વિનાશ સર્જી શકે છે. પરંતુ અત્યારે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ભલે ઓમાનની તરફ જઈ રહ્યું હોય પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
હાલમાં વાવાઝોડાની સ્પીડ ૪૦ કિમી પ્રતિ કલાકની જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં લોપ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવું લાગી રહ્યું છે. આગામી ૧૨ થી ૧૪ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.