રાજ્યના પોલીસ અધિકારીઓની બદલીમાં ભલામણને લઈને DGP વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ હવે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલીમાં હવે IPS અધિકારીઓની અંગત ભલામણ નહીં ચાલે.
ગુજરાત પોલીસની બદલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં. પોલીસ વડાઓ ચોક્કસ PI અને PSIની માંગણી કરી શકશે નહીં. અગાઉ ફરજ મોકૂફ થયેલા કચેરીના વડા ફરીથી તે કચેરીની માંગણી કરી શકશે નહીં. આ DGP વિકાસ સહાય દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરીઓના વડાઓ તેમની કચેરી માટે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં અમુક ચોક્કસ અધિકારીઓની નામ જોગ માંગણી કરે છે. આવી રજૂઆતોની ચકાસણી કરતા કેટલાક કિસ્સાઓમાં કેચેરીના વડાઓ દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચુકેલા પોલીસ અધિકારીઓને તેમના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂંક આપવા રજૂઆત કરવામાં આવે છે. જે યોગ્ય ન હોઈ, આવી રજૂઆતોને અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.
પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ફરજ મોકુફ ઉપરથી પુનઃસ્થાપિત થયેલ પોલીસ અધિકારીઓ તેઓને જે કચેરીની ફરજ દરમિયાન ફરજ મોકુફ થયેલ છે. તે જ કચેરીના વડા દ્વારા તેમની પુનઃમાંગણી કરવામાં આવે છે. જે ગંભીર બાબત હોઈ, આ પ્રકારની રજૂઆતોને પણ અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.