આગના કારણે અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા
યુ.એસ.માં લાખો લોકો કેનેડાની સરહદ પર જંગલમાં લાગેલી આગના ખતરનાક ધુમાડામાં શ્વાસ લઈ રહ્યા છે. વાયુ પ્રદૂષણ માપવા માટે યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીના સ્કેલ મુજબ સિરાક્યુઝ, ન્યુ યોર્ક સિટી અને પેન્સિલવેનિયાની લેહાઈ વેલી હવાની ગુણવત્તા સૂચકાંક ૪૦૦ સુધી પહોંચી ગઈ છે. હવાની ગુણવત્તા સૂચકાંકનું સ્તર ૫૦ કે તેથી ઓછું હોય તો સારું માનવામાં આવે છે જ્યારે ૩૦૦ થી ઉપરના સૂચકાંકને જોખમી ગણવામાં આવે છે. સ્વસ્થ લોકોને ઘરની બહાર જઈને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરવાની પણ સલાહ આપવામાં આવે છે.
કેનેડામાં લાગેલી આગનો ધુમાડો ગઈકાલે યુએસ ઈસ્ટ કોસ્ટ અને મિડવેસ્ટ સુધી પહોંચ્યો હતો. આના પરિણામે ઘણા મોટા એરપોર્ટ પર ફ્લાઇટ્સનું ગ્રાઉન્ડિંગ અને મેજર લીગ બેઝબોલ રમતોને સ્થગિત કરવામાં આવી. લોકોને ફરી એકવાર કોવિડ રોગચાળાની જેમ માસ્ક પહેરવાની ફરજ પડી હતી. કેનેડાએ આગ સામે લડવા માટે અન્ય દેશો પાસેથી વધારાની મદદ માંગી છે. આગના કારણે અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.