બિપોરજોય વાવાઝોડા: ગુજરાતમાં તંત્ર એલર્ટ

બિપોરજોય વાવાઝોડાને પગલે દમણના દરિયા કાંઠે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ શરૂ કરાયું છે તેમજ દરિયામાં રાહત બચાવની કોઈ પણ પરિસ્થિતિને લઈને કોસ્ટ ગાર્ડે સજ્જતા દર્શાવી છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર એલર્ટમોડમાં આવી ગયું છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. જે સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર સિગ્નલ પણ લગાવાયા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ પોરબંદરમાં હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે જ્યારે  જામનગરમાં ૨૨ ગામને એલર્ટ કરાયા અને તમામ અધિકારીઓને ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.

બિપોરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે આજે મહીસાગરમાં ભારે પવન ફૂંકાવવાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ખાનપુર લીમડીયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે હાઈવે બ્લોક થયો છે તેમજ અનેક વિસ્તારમાં રસ્તાઓ બંધ થયા હતાં જો કે, પવનની ગતિ ધીમે પડતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.

વાવાઝોડાને પગલે પોરબંદર વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને જિલ્લામાં લગાવેલા હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. જુબેલી, જુના ફુવારા વિસ્તારમાં હોર્ડિંગ ઉતારાયા છે જ્યારે ST બસ સ્ટેન્ડ, ચોપાટી સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે હોર્ડિગ ઉતારવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. જાફરાબાદના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરિયામાંથી તમામ બોટોને પરત બોલાવી લેવાઈ છે. માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના અપાઈ છે તેમજ  હાલ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

બિપોરજોય વાવાઝોડાને લઈને જામનગર તંત્ર એક્શનમાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાની તૈયારી અંગે જામનગરના કલેક્ટર બી.એ.શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરિયા કિનારે આવેલા ૨૨ ગામને એલર્ટ કરાયા છે તેમજ તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા અને જામનગરના તમામ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે સાથો સાથ NDRF ટીમ સાથે પણ કોર્ડિનેશન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ અધિકારીઓને પણ ક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. જોડિયા તાલુકાના દરિયા કિનારે આવેલા ગામડાઓને સાવધાન કરાયા છે અને ૭૦,૦૦૦ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તંત્ર સજ્જ છે.

દમણના દરિયા કાંઠે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ શરૂ કરાયું છે તેમજ દરિયામાં રાહત બચાવની કોઈ પણ પરિસ્થિતિને લઈને કોસ્ટ ગાર્ડે સજ્જતા દર્શાવી છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારાના ૨૮ ગામના સરપંચને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને દમણની ૪૦૦ થી વધુ બોટ સલામત જેટી પર લાંગરવામાં આવી છે.

ગીર સોમનાથમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે તેમજ ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. વેરાવળ, સુત્રાપાડા બંદર પર ૨ નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે તેમજ દરિયા કાંઠા વિસ્તારના માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

કચ્છમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસરને પગલે નાની-મોટી બોટો લંગારી છે તેમજ કચ્છના તમામ બંદર પર સિગ્નલ લગાવાયા છે.

બિપોરજોય વાવાઝોડા ની સંભવિત અસરને લઈ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *