ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, અત્યારે અમને ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની સંભાવના જોવા મળી રહી નથી, પરંતુ સાવચેતી રાખવી જોઈએ.
ચક્રવાત બિપોરજોય દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો ઊભો કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ની ઝડપ ૩ દિવસમાં હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે. જોકે, આ ચક્રવાત ભારતીય દરિયાકાંઠાથી દૂર રહેશે કારણ કે તે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે સમુદ્રની સપાટીનું તપમાન ગરમ થવાને કારણે શક્તિશાળી તોફાનો બની રહ્યા છે.
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને IMD પુણેના વડા ડૉ. કે.એસ. હોસાલિકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અત્યારે અમને ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની સંભાવના જોવા મળી રહી નથી. તાજેતરની આગાહી સૂચવે છે કે ચક્રવાત દરિયાકાંઠાથી દૂર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.’
ડૉ. કે.એસ. હોસાલિકરે કહ્યું હતું કે ‘ માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને પશ્ચિમ કિનારે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ, કારણ કે દરિયામાં ભારે તોફાન છે.’ પૂર્વ-મધ્ય અરબ દરિયામાં ‘ખૂબ જ ગંભીર’ ચક્રવાતી તોફાન ચાલુ છે. દરિયામાં ૧૩૫-૧૪૫ કિ.મી. પ્રતિ કલાકથી ૧૬૦ કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ૧૦ જૂન સુધીમાં પવનની ઝડપ ૧૭૦ કિ.મી. પ્રતિ કલાકે પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બિપોરજોયના કારણે અરબી સમુદ્રમાં ૨૫-૨૮ ફૂટ ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. આ વર્ષે અરબી સમુદ્રમાં પ્રથમ ચક્રવાત બિપોરજોયને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, તમામ બંદરોને રિમોટ વોર્નિંગ સિગ્નલ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આગામી ૩૬ કલાકમાં બિપોરજોય તોફાન વધુ તીવ્ર બનશે. જેના કારણે ગુજરાતના માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા ૨૨ ગામડાઓમાં અંદાજે ૭૬,000 લોકોને સલામત સ્થળે ખસેડવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે.