આગામી ૨૪ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે બિપરજોય, ૩ રાજ્યોમાં જાહેર કરાયું એલર્ટ.
અરબ સાગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ‘સાયક્લૉનિક ઍક્ટિવિટી’ જોવા મળી રહી છે. અરબ સાગરમાં ધીમે-ધીમે વાવાઝોડું જોર પકડતું જઈ રહ્યું છે. હાલ વાવાઝોડું ૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને અંતિમ અપડેટ અનુસાર તે ગુજરાતના પોરબંદરથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૬૩૦ કિલોમીટરના અંતરે છે.
વાવાઝોડું બિપરજોય હજુ વધુ ખતરનાક બનશે
આ મામલે ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, ચક્રવાતી તોફાન વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં હજી વધારે તાકતવર બને તેવી સંભાવના છે. આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. IMDએ એક ટ્વિટમાં જણાવ્યું કે, ”’બિપોરજોય’ વાવાઝોડુંગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે, આગામી ૨૪ કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું હજી વધારે તાકતવર બની શકે છે અને તે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ”
વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને ૧૪ જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના મામલતદારે જણાવ્યું છે કે, “અમે માછીમારોને દરિયામાં ન જવા કહ્યું હતું અને તેઓ બધા પાછા આવી ગયા છે. જો જરૂર પડશે તો દરિયાકાંઠાની નજીક આવેલા ગામડાઓના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, અમે ૧૪ જૂન સુધી તિથલ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે. વલસાડના ૩ કિલો મીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”