લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીને લઈ મોટા સમાચાર, CWCમાં ટુંક સમયમાં જ થઈ શકે છે મોટો ફેરફાર, અનેક દિગ્ગજોના કપાશે પત્તા
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે છે, CWCમાં મોટો ફેરફાર થઈ શકે છે. ૨૫ સ્થાયી સભ્યો ઉપરાંત વર્તમાન CWCમાં કેટલાક વિશેષ આમંત્રિતો અને મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ જેવી આગળની સંસ્થાઓના વડાઓ પણ સામેલ છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં રાયપુરમાં યોજાયેલા કૉંગ્રેસ ના પૂર્ણ સત્ર દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને CWC સભ્યોને ચૂંટવાને બદલે નોમિનેટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે તેની કાર્યકારી સમિતિમાં SC, ST, OBC, મહિલાઓ, યુવાનો અને લઘુમતીઓને ૫૦ % અનામત આપવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો હતો. પાર્ટીએ CWC સભ્યોની સંખ્યા પણ ૨૫ થી વધારીને ૩૫ કરી હતી.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં નવો ઓક્સિજન ભરવા માટે નવી પ્રતિભાઓને લાવવી જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, CWCમાં પ્રવેશ માટે રમેશ ચેન્નીથલા, રાજ્યસભા સાંસદ રંજીત રંજન, પૂર્વ દલિત કૉંગ્રેસ પ્રમુખ નીતિન રાઉત, કર્ણાટકના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબોધકાંત સહાયના નામ પર ચર્ચા થઈ રહી છે.
કમિટીમાં એવા લોકોને લાવવા પર ઘણી ચર્ચા ચાલી રહી છે, જેમની પાસે ચૂંટણી લડવાનો વ્યવહારુ અનુભવ છે. કોંગ્રેસનું માનવું છે કે, ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં સાથી પક્ષો સાથે વધુ સારા સંકલન માટે અને ભાજપને ટક્કર આપવા માટે જમીની વાસ્તવિકતાને સમજનારા લોકોની જરૂર પડશે.