વાવાઝોડાના સંકટ વચ્ચે તંત્ર હરકતમાં, અત્યાર સુધી ગુજરાતભરમાંથી ૪૭,૦૦૦થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું
બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. આ દરમિયાન હવે બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ અત્યાર સુધી ગુજરાતભરમાંથી ૪૭,૦૦૦થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તરફ વીજપૂરવઠો પૂર્વવત કરવા ૫૯૭ ટીમ તૈયાર તો સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટીમ તૈનાત છે.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. વિગતો મુજબ બિપોરજોય વાવાઝોડાને કારણે હવે રાજ્યભરમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ૪,૪૬૨, કચ્છમાં ૧૭,૭૩૯, જામનગરમાં ૮,૫૪૨ લોકોનું સ્થળાંતર કરાયું છે. પોરબંદરમાં ૩,૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૪,૮૬૩, ગીર સોમનાથમાં ૧,605 લોકોનું સ્થળાંતર તો મોરબીમાં ૧,૯૩૬ અને રાજકોટમાં ૪,૪૯૭ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.