કાશ્મીરીઓના લાયસન્સ કૌભાંડમાં મિલિટરી ઇન્ટેલિજન્સે ‘સિક્રેટ ઈન્વેસ્ટિગેશન’ શરૂ કર્યું છે. IB, સેન્ટ્રલ IB તેમજ મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા એજન્ટોની પૂછપરછ કરાયા બાદ હવે રો, એનઆઇએ સહિતની એજન્સીઓ પણ તપાસ કરશે.
જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષાદળોના જવાન બનાવીને બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ગાંધીનગર આરટીઓમાં બનાવવાના સૌથી મોટા કૌભાંડમાં સેન્ટ્રલની સુરક્ષા એજન્સીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. મિલિટરી ઇન્ટેલિજન્સ (MI) એ ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું છે. ગઇ કાલે IB, સેન્ટ્રલ IB તેમજ મિલિટરી ઇન્ટેલિજન્સે આરટીઓના બંને એજન્ટોની પૂછપરછ કરી હતી, જ્યારે હવે રો, એનઆઇએ સહિતની એજન્સીઓ પણ તપાસ કરશે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. ગાંધીનગર આરટીઓના ૨ એજન્ટોએ જમ્મુ-કાશ્મીરના શકમંદો સાથે મળીને એક હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવી દીધાં હતાં, જેના મામલે કેન્દ્રીય એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે.
ગાંધીનગર આરટીઓના ૨ એજન્ટ દ્વારા કાશ્મીરી યુવકો સાથે મળીને ગાંધીનગરમાં આવેલા વિવિધ કેન્ટોન્મેન્ટના એડ્રેસ પર બોગસ ડોક્યુમેન્ટના આધારે છેલ્લાં ૩ વર્ષમાં ૧,૦૦૦ થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના ૨ એજન્ટની ધરપક કરી હતી. ક્રાઇમ બ્રાંચે બંન્ને એજન્ટો પાસેથી ૨૮૮ થી વધુ લાયસન્સ રિકવર કર્યા હતા, જ્યારે ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી હતી.
ગાંધીનગર આરટીઓમાંથી જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને પુલવામાના ઉરી સેક્ટરમાં રહેતા લોકોના લાયસન્સ નીકળી રહ્યા હતા. આ લાયસન્સ જમ્મુ-કાશ્મીરના એડ્રેસ પર નહીં, પરંતુ ગાંધીનગર અને અન્ય કેન્ટોન્મેન્ટ વિસ્તારના એડ્રેસ પર નીકળી રહ્યા હતા. એડ્રેસ કૅન્ટોન્મેન્ટ વિસ્તારનું હોવાના કારણે લાયસન્સ બનાવવા માટે ગાંધીનગર અને ચાંદખેડામાં રહેતા સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના એજન્ટનો સંપર્ક જમ્મુ-કાશ્મીરના લોકોએ કર્યો હતો અને આખા રેકેટની શરૂઆત ત્યાંથી થઇ હતી. ૨-૩ વર્ષથી ચાલતા આ રેકેટમાં મહત્ત્વની કડી મિલિટરી ઇન્ટેલિજન્સ પુણે યુનિટને મળી હતી, જે ઇનપુટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપ્યા હતા. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરની અંદર ડિફેન્સના લોકોનાં લાયસન્સ કઢાવનાર લોકોની કડી મળી અને આખા દેશમાં ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવું નેટવર્ક તેમણે ઝડપી પાડ્યું હતું.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ મિતેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર કૌભાંડનું જડમૂળ ગાંધીનગર આરટીઓમાં છે. આજે ૧૦ પોલીસ કર્મચારીઓની ટીમ સાથે ગાંધીનગર આરટીઓમાં તપાસ માટે જવાની છે, જેમાં છેલ્લા ૪ વર્ષમાં આર્મીના જવાનોના નામે ઈશ્યૂ થયેલા તમામ લાયસન્સ અને તેમાં આપવામાં આવેલા ડોકયુમેન્ટ્સની તપાસ કરવામાં આવશે. આ કૌભાંડમાં આરટીઓના અધિકારીઓની પણ સંડોવણી સામે આવશે, જ્યારે એક પછી એક ધરપકડનો દોર શરૂ થશે. તમામ ડેટા ચેક કર્યા બાદ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવશે, જ્યારે ક્રાઇમ બ્રાંચની એક ટીમ જમ્મુ-કાશ્મીર પણ જશે.