ગાંધીનગર ખાતે ભારતીય વાયુદળના દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા મુલાકાત માટે મળ્યા હતા. આ મુલાકાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં વાયુસેનાએ ગુજરાતને મદદ માટે દાખવેલી તત્પરતા અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ મુલાકાતમાં સહભાગી થયા હતા.
એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ૧ મે ૨૦૨૩ થી SWAC ના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફનો પદભાર સંભાળ્યો છે. દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોનો સમાવેશ થયેલો છે. આ દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના પ્રમુખનો પદભાર સંભાળતા પૂર્વે એર માર્શલ તિવારી ભારતીય વાયુ દળના મુખ્યમથક ખાતે ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યરત હતા.
એર માર્શલ તિવારી ભારતીય વાયુદળમાં ફાયટર પાયલટ તરીકે ૧૯૮૬ માં જોડાયા હતા. જેઓ વાયુદળના વિવિધ પ્રકારના એરક્રાફ્ટની કુલ ૩,૬૦૦ કલાકની ઊડાનનો અનુભવ ધરાવે છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને ૨૦૦૮ માં રાષ્ટ્રપતિનો વાયુ સેના મેડલ અને ૨૦૨૨ માં અતિ વિશિષ્ટ સેવા મેડલના સન્માન પ્રાપ્ત થયેલા છે.