અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે. સીએમ ડેસ્કબોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં આવતા સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડની વીડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને ભગવાનના મુખ્ય રથનો માર્ગ તેમજ યાત્રામાં જોડાયેલા પદયાત્રીઓની બારીકાઇથી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામા આવેલા સલામતી સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વીડિયો વોલ દ્વારા ઝીણવપૂર્વકની જાણકારી મેળવી હતી. આ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અધિકારીઓ પણ આ નિરીક્ષણમાં જોડાયા હતા.
રથયાત્રાનું સમગ્ર દિવસ દરમ્યાન મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ ડેશબોર્ડ દ્વારા અમદાવાદ શહેર પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા રિયલ ટાઈમ મોનીટરીંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. આ ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રથયાત્રાની છેલ્લામાં છેલ્લી સ્થિતિથી માહિતગાર રાખશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના ૨૫,૦૦૦ થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં ૧૧ IG, ૫૦ SP, ૧૦૦ DySP, ૩૦૦ થી વધુ PI, ૮૦૦ PSI અને SRP તથા CRPFની ૩૫ ટુકડી અને ૬,૦૦૦ હોમગાર્ડના જવાનો જોડાયા છે. આ રથયાત્રા દરમિયાન અફવા પર ધ્યાન ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. સાથે જ આજની રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરાયો છે.
રથયાત્રાને લઈ ક્યાં-ક્યાં રસ્તાઓ પર ડાયવર્ઝવન?
- ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો ૦૪:૩૦ વાગ્યા સુધી બંધ
- સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ
- કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ
- પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ
- દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ
- દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે ૦૫:૩૦ થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે ૦૫:૩૦ થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે ૦૫:૩૦ થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ