યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ ત્યાંના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા અને તેમના ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અમેરિકામાં પણ જોવા મળ્યો હતો. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ ત્યાંના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા અને તેમના ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી. આ દરમિયાન ઘણા લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી . આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીની જોઈન્ટ સેશન એડ્રેસ બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી માટે જોરદાર તાળીઓ પડી હતી. આટલું જ નહીં સંબોધન પછી લોકો પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે કતારમાં ઉભા હતા. એટલું જ નહીં પીએમ મોદીના ભાષણનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ લગભગ ૧ કલાક સુધી ભાષણ આપ્યું. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ ૧૫ વખત સાંસદો પાસેથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
ઘણી વખત એવું પણ જોવા મળ્યું હતું કે ગેલેરીમાં હાજર ભારતીય સમુદાયે અલગથી ઉભા રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. આ સિવાય અમેરિકી સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન ૭૯ વખત તાળીઓ પણ વગાડવામાં આવી હતી. જ્યારે પીએમ મોદીએ પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે તમામ સભ્યોએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓ પાડી હતી. બીજી તરફ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તેમની સાથે ઘણો સારો સમય પસાર કર્યો.
યુએસ કોંગ્રેસના સભ્ય રો ખન્નાએ કહ્યું, “મને લાગે છે કે વડા પ્રધાને ખૂબ જ જોરદાર ભાષણ આપ્યું હતું.”તેમણે અમેરિકાની આર્થિક, ટેક્નોલોજી અને સંરક્ષણ ભાગીદારીની પુષ્ટિ કરી હતી અને તેમણે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે.