પટના ખાતે વિપક્ષી એકતા બેઠકની પ્રેસ કોન્ફેરેન્સ સમાપ્ત

પટના ખાતે યોજાયેલ વિપક્ષી એકતા બેઠક

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને નીતીશ કુમારે પટના ખાતે વિપક્ષ એકતા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, ખરગે, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, લાલૂ પ્રસાદ સહિત અનેક વિપક્ષી પાર્ટીનાં નેતા જોડાયા હતાં.

લાલૂ પ્રસાદેએ કહ્યું કે’ હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. આપણને બધાએ સાથે મળીને લડવું પડશે. આવતી બેઠક શિમલામાં થશે જ્યાં એજન્ડા તૈયાર કરવામાં આવશે.  દેશની જનતા બોલતી હતી કે તમે લોકો સાથે નથી આવતાં તેથી વોટ વહેંચાઈ જાય છે અને ભાજપ જીતી જાય છે પરંતુ હવે આપણે એકસાથે લડવાનું છે.’

પ્રેસ કોન્ફેરેન્સમાં રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં. તેમણે કહ્યું કે રાહુલે લોકસભામાં સારું કામ કર્યું છે. તેમણે અદાણીનો મુદો ઉઠાવીને સારું કામ કર્યું. તેમણે કહ્યું કે રાહુલ હવે તમારે લગ્ન કરી લેવા જોઈએ. તમારી મમ્મી કહે છે કે તમે એમની વાત નથી માનતાં. તમે લગ્ન કરી લો જેથી અમે તમારી જાનમાં શામેલ થઈ શકીએ. રાહુલે કહ્યું કે તમે કહી દીધું તો લગ્ન થઈ જશે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે’આ બધાં  દળોને એકસાથે કરવું સરળ વાત નથી. તેનો શ્રેય નીતીશ કુમારને જાય છે જેમણે વિપક્ષને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે. આ લડાઈ સત્તા માટે નથી થઈ રહી આ લડાઈ વિચારધારા માટે લડવામાં આવી રહી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેશને બચાવવા માટે વિપક્ષી દળોનું એકસાથે આવવું આવશ્યક છે. અમે સૌ સરમુખત્યારશાહીનાં વિરોધમાં છીએ. દેશની એકતા માટે અમારી એકતા જરૂરી છે.

મહબૂબા મુફ્તીએ કહ્યું કે લોકતંત્ર અને બંધારણ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે હવે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. અમે ગાંધીનાં દેશને ગોડસેનો દેશ બનવા નહીં દઈએ.

મમતા બેનર્જીએ કહ્યું કે અમને વિપક્ષ ન કહો, અમે દેશભક્ત છીએ, અમે પણ ભારતને માતા કહીએ છીએ. મણિપુર સળગવાથી અમને પણ દુ:ખ થાય છે. દેશની આ સ્થિતિ થઈ ગઈ છે કે જો કોઈ અવાજ ઊઠાવે છે તો તેની પાછળ ED અને CBI લગાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે ભાજપ ઈતિહાસ ભૂંસવા માંગે છે અને અમે ઈતિહાસ બનાવવા ઈચ્છીએ છીએ.’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશનાં પાયા પર હુમલો કરી રહી છે. દેશનાં બંધારણીય સંસ્થાનો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેટલી પણ પાર્ટી બેઠકમાં શામેલ થઈ છે તેમણે મતભેદ ભૂલીને એકસાથએ કામ કરવાનો નિર્ણય કર્યો છે. આ લડાઈ વિચારધારાની લડાઈ છે.

નીતીશ કુમારે કહ્યું કે આવતી બેઠકમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે. કોણ ક્યાંથી લડશે તે અંગેનાં નિર્ણયો લેવામાં આવશે. સીટની વહેંચણીનો નિર્ણય પણ આવતી બેઠકમાં કરવામાં આવશે અને આ બેઠક હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *