કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત ઐતિહાસિક રહી છે અને તેણે બે દેશો વચ્ચેના સામાન્ય લક્ષ્યોના વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને ફરીથી વ્યાખ્યાયિત કરી છે.
નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉત્પાદન, ટેકનોલોજી અને રોજગારના ક્ષેત્રોમાં ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. F૪૧૪ એરક્રાફ્ટ એન્જિનના સંયુક્ત ઉત્પાદન માટે HAL અને GE વચ્ચેનો કરાર એ પ્રધાનમંત્રી મોદીની યુએસ મુલાકાતની મોટી ઉપલબ્ધિઓમાંની એક છે.
કોંગ્રેસના સંયુક્ત સત્રમાં પીએમના સંબોધન વિશે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બહુ ઓછા લોકોને યુએસ કોંગ્રેસને સંબોધવાની તક મળી છે અને પ્રધાનમંત્રીને અમેરિકાના બંને પક્ષોએ આમંત્રણ આપ્યું હતું. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધવા માટે પીએમને બીજી વખત બોલાવવામાં આવ્યા તે આ દેશમાં આપણા બધા માટે ગર્વની વાત છે.