ભારત અને ઈજીપ્તના સંબંધો વધુ સુદ્રઢ બનાવવાનો બંને દેશોનો નિર્ણય

ઇજીપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇજીપ્તના કેરોમાં દ્વીપક્ષીય મંત્રણાના અંતે બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઇ જવાનો નિર્ણય લીધો છે. આ પ્રસંગે કૃષિ, પુરાતત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં ત્રણ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને અગ્રણીઓએ ભારત અને ઈજીપ્તના દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરીને આ સંબંધો વધુ સુદ્રઢ બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રસંગે અબ્દેલ અલ-સીસી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇજીપ્તના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલથી સન્માનિત કર્યા હતા. વિદેશ સચિવ વિનય કવાત્રાએ કેરોમાં પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇજીપ્તના રાષ્ટ્રપ્રમુખને દિલ્હીમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનાર જી-૨૦ દેશોની શિખર બેઠકમાં ભાગ લેવા ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેલીઓપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સીમેટ્રીની મુલાકાત લઇને પહેલા વિશ્વયુદ્ધમાં ઇજીપ્ત અને એડેનમાં પ્રાણોનું બલિદાન આપનાર ૪,૦૦૦થી વધુ ભારતીય સૈનિકોને અંજલિ આપી હતી. મોદીએ અલ હકિમ મસ્જીદની પણ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈજીપ્ત દ્વારા અપાયેલા સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલના સંદર્ભમાં ટ્વીટર પર ઈજીપ્તના રાષ્ટ્રપ્રમુખ અને નાગરિકોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિશ્વના વિવિધ દેશો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાયેલો આ ૧૩મું રાષ્ટ્રીય સન્માન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *