ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. કાળા ડિબાંગ વાદળો સાથે શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.

ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા ૪ – ૫ દિવસથી ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ આજ સવારથી કાળાડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, ત્યારે શહેરમાં સવારે ૧૦:૦૦ વાગ્યા પછી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

અમદાવાદના નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, સૈજપુર, મેમ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, SG હાઈવે, નહેરુનગર, જીવરાજપાર્ક, બોપલ, ઘુમામાં વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.

એસજી હાઈવે પર સોલા, ગોતા, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *