રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી છે. પુતિને મોસ્કોમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી. રશિયાના સત્તાવાર આંતરરાષ્ટ્રીય સમાચાર ટેલિવિઝન નેટવર્કના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિએ રશિયામાં સ્વદેશી ઉત્પાદનો અને બ્રાન્ડ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના સારા મિત્ર છે. નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા મેક ઇન ઇન્ડિયા પહેલ કરી હતી અને તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ દેખીતી અસર પડી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે તાજેતરમાં નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, રશિયા-ભારત વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીની સંભાવનાઓ સામે આવી છે અને તે ઝડપથી વધી રહી છે.
નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રીય દિવસને સમર્પિત સત્તાવાર કાર્યક્રમ દરમિયાન, રશિયન રાજદૂત અલીપોવે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે દરરોજ રશિયા વિશે જુઠ્ઠાણું બોલાય છે અને રશિયા-ભારત સંબંધોમાં અવરોધો ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે.